EXCLUSIVE: ગાંધીનગરમાં સીએમ રૂપાણીના બંગલાની બાજુમાંથી જ LRDનું પેપર ફૂટ્યું

EXCLUSIVE: ગાંધીનગરમાં સીએમ રૂપાણીના બંગલાની બાજુમાંથી જ LRDનું પેપર ફૂટ્યું



*શ્રીરામ હોસ્ટેલનો પ્લોટ કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશ પટેલના હોવાનું ખુલ્યું હતું

* પેપર ફૂટ્યું તે પ્લોટ નં. 1067નો બંગલો કોંગ્રેસી ધારાસભ્ય સુરેશ પટેલનો, જે તેમણે ભાડે આપ્યો હતો


* પ્લોટ નં. 1068 પરનો ત્રણ માળનો બંગલો મુખ્યમંત્રી રૂપાણીની માલિકીનો


* રૂપાણીએ ચૂંટણી પહેલાં એફિડેવિટમાં પ્લોટ નં. 1068ના બંગલાની વિગતો જાહેર કરી હતી


ચેતન પુરોહિત, અમદાવાદઃ લોકરક્ષક દળની (LRD) પરીક્ષાનું પેપર લીક થયું તે સમગ્ર પ્રકરણમાં ગાંધીનગરના સેક્ટર-8માં પ્લોટ નં. 1067 પર બનેલી શ્રી રામ હોસ્ટેલ એપીસેન્ટર હતી. આ હોસ્ટેલનું બિલ્ડીંગ કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશ પટેલની માલિકીનું છે. જો કે, તેથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ હોસ્ટેલની બરાબર બાજુમાં આવેલા પ્લોટ નં. 1068 અને તેની પર બનાવાયેલો ત્રણ માળનો વૈભવી બંગલો ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખાનગી માલિકીનો છે. આમ, રાજ્યના ઇતિહાસના સૌથી મોટા પેપરલીક કૌભાંડનું એપીસેન્ટર ખુદ મુખ્યમંત્રીના ખાનગી બંગલાની બાજુમાં જ હોવાનું ખુલ્યું છે.

હોસ્ટેલ ચલાવતા રામસંગજી રાજપૂત મહિને 40 હજાર ભાડું ચૂકવતા હતા

એલઆરડી પરીક્ષાનું પેપર લીક કરવા માટે જે બંગલાનો ઉપયોગ થયો હતો ત્યારે તે કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ પટેલનો છે. સુરેશ પટેલે મીડિયા સાથે વાતચીતમાં પોતે આ બંગલો દલાલ મારફતે રામસંગજી રાજપૂત નામની વ્યક્તિને ભાડે આપ્યો હતો, જે પેટે તેમને દર મહિને રૂા. 40 હજારનું ભાડું મળતું હતું. આ બંગલામાં રામસંગજી અને તેમના પત્ની પદ્માવતી હોસ્ટેલ ચલાવતા હોવાની પણ તેમને ખબર હતી. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ બંગલામાં પેપર ફોડવા જેવી પ્રવૃત્તિ ચાલતી હોવા બાબતે તેઓ તદ્દન અજાણ હતા.

રૂપાણીના બંગલાને પણ ભાડે આપવાની ગતિવિધિ
જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, શ્રી રામ હોસ્ટેલના બિલ્ડીંગની બરાબર બાજુમાં પ્લોટ નં. 1068 પર જે ત્રણ માળનો બંગલો બનેલો છે તે ખુદ મુખ્યમંત્રી રૂપાણીનો છે. ગત વિધાનસભા ચૂંટણી પહેલાં રૂપાણીએ જે સોગંદનામું ચૂંટણીપંચ સમક્ષ ફાઈલ કર્યું હતું તેમાં સ્થાવર મિલ્કત તરીકે આ પ્લોટ નં. 1068 અને તેની પરના બંગલાના બાંધકામને ગણાવ્યું છે. DivyaBhaskar.com દ્વારા સ્થળ પર તપાસ કરાઈ તો જાણવા મળ્યું કે, રૂપાણી હાલ અહીં રહેતા નથી પરંતુ બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ બંગલાને પણ ભાડે આપવાની ગતિવિધિ ચાલી રહી છે.


મુખ્યમંત્રીના પ્લોટ નં. 8/1068 પરના બંગલાની વિગતો

(1) માલિકનું નામઃ વિજય રૂપાણી
(2) સરનામું: પ્લોટ નં. 1068, સેક્ટર-8, ગાંધીનગર
(3) પ્લોટનું ક્ષેત્રફળઃ 3552 ચોરસ ફૂટ
(4) બાંધકામ ક્ષેત્રફળઃ 2500 ચોરસ ફૂટ
(5) ખરીદી/પ્રાપ્તિની તારીખઃ 08-02-2011
(6) ખરીદી સમયે પ્લોટની કિંમતઃ રૂ. 3.63 લાખ
(7) વર્તમાન બજાર કિંમતઃ રૂ. 30 લાખ (આશરે)

રૂપાણીની સામેનો બંગલો પરસોત્તમ સોલંકીનો

વિજય રૂપાણીના પ્લોટ નં. 1068 પર આવેલા બંગલાની બરાબર સામે વર્તમાન મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીનો છે. આજુબાજુમાં પણ મોટાભાગે ધારાસભ્યો, મંત્રીઓ તથા રાજકારણીઓને ફાળવવામાં આવેલા પ્લોટ છે. આમ આ આખો વિસ્તાર વીવીઆઈપી હોવા છતાં અહીં ચાલતા ગોરખધંધા વિશે કોઈનું પણ ધ્યાન કેમ ન ગયું તે ખૂબ આશ્ચર્યજનક બાબત છે.



ટિપ્પણીઓ