કોઠાસૂઝ/ 6 ચોપડી ભણેલા સ્વામીએ ભવ્ય સ્વામિનારાયણનગર ઊભું કર્યું

6 std educated Swamy raised the magnificent Swaminarayanagar

વિરાટ કદના સ્ટેજ હોય કે પછી મહામોટા મંદિરોની ડિઝાઇન હોય, બ્રહ્મચરણસ્વામી સહજતાથી કરે છે

રાજકોટ:કમ્પ્યૂટર અને ઇન્ટરનેટની મદદથી કોઈપણ વ્યક્તિ દરેક સ્થળ કે વસ્તુને આકર્ષક રીતે ડિઝાઈન કે ડેકોરેટ કરી શકે છે, પરંતુ આ બંને ઉપકરણો વિના સામાન્ય વ્યક્તિ માટે આ કામ અશક્ય બને છે, પરંતુ બીએપીએસના બ્રહ્મચરણસ્વામી વિરાટ કદના સ્ટેજ હોય કે લાખો લોકો જુએ એવું નગર હોય કે, પછી મહામોટા મંદિરોની ડિઝાઇન હોય, બ્રહ્મચરણસ્વામી સહજતાથી કરે છે. રાજકોટના આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવ અવસરે ભવ્ય અને દિવ્ય સ્વામિનારાયણનગરને ડેકોરેટ અને સુશોભિત રીતે ડિઝાઈન કરવાનું કામ બ્રહ્મચરણસ્વામીએ કર્યું છે. માત્ર 6 ચોપડી ભણેલા આ સંત બીએપીએસના દરેક મોટા મહોત્સવોમાં સ્ટેજ કે આખું નગર કોઈપણ આધુનિક ઉપકરણો વિના સ્વહસ્તે જ નિર્માણ કરે છે. અહીં સેવા આપતાં સંતો આધ્યાત્મિક દૃષ્ટિએ તો બેજોડ છે જ પરંતુ સાથે સાથે તેમની કળા અને કૌશલ્ય પણ અદભુત છે. આ આખા સ્વામિનારાયણનગરનું ડેકોરેશન અને ડિઝાઇનિંગ વિભાગ સંભાળનાર બ્રહ્મચરણસ્વામીના જીવનમાંથી પણ પ્રેરણા પ્રાપ્ત થાય એવું છે. તેઓ બધી ડિઝાઇન હાથથી જ કરે છે. કમ્પ્યુટરનો ઉપયોગ કરતા નથી. તેઓ કલર મિશ્રણમાં ખૂબ જ સારું જ્ઞાન ધરાવે છે. ગુરુના આશીર્વાદથી જીવનમાં કેવી પ્રગતિ થઈ શકે છે તેનું તેઓ જીવતું જાગતું ઉદાહરણ છે.
બ્રહ્મચરણસ્વામીએ મોટા મહોત્સવોના સ્ટેજ-નગર ડિઝાઇન કર્યા છે
અક્ષરધામમાં બતાવવામાં આવતી મલ્ટિ મીડિયા આઈમેક્સ ફિલ્મના સેટ પણ તેઓએ જ જાતે તૈયાર કર્યા હતા. તેને જોઈને હોલિવૂડના ડિરેક્ટર કીથમેલ્ટન અને કેમરામેન રીડસ્મૂથ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
બ્રહ્મચરણસ્વામીએ 1995માં પ્રમુખસ્વામી મહારાજના અમૃત મહોત્સવમાં સૌ પ્રથમવાર સ્ટેજની રચના કરી હતી.
2007માં BAPS સંસ્થા શતાબ્દી મહોત્સવની થીમ પણ તેમણે બનાવી હતી.
2015માં પ્રમુખસ્વામી મહારાજની 95મી જન્મજયંતીની ઉજવણીમાં પણ ડેકોરેશન કર્યું હતું.
2018માં ગોંડલ અક્ષરદેરી મહોત્સવની ડિઝાઇન પણ આ સંતે તૈયાર કરી હતી.
સારંગપુરમાં ચાલતા FRP વર્કશોપના મુખ્ય ડિઝાઇનર અને પ્લાનિંગની જવાબદારી નિભાવે છે.
બ્રહ્મચરણસ્વામીએ 1981માં 14 વર્ષે દીક્ષા લીધી હતી
બ્રહ્મચરણસ્વામીએ 14 વર્ષની નાની ઉંમરે 1981માં ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. પૂર્વાશ્રમમાં માત્ર 6 ધોરણનો અભ્યાસ કર્યો હતો. ખૂબ જ ઓછો અભ્યાસ કર્યો હોવા છતાં બાળપણથી જ ડેકોરેશનમાં ખૂબ જ સારી સૂઝ ધરાવે છે. અત્યારે તેઓ BAPS સંસ્થાના મંદિર ડિઝાઇનિંગ ટીમમાં સેવા આપે છે. તેઓ પણ સ્વયં માને છે કે તેઓશ્રીની પ્રગતિનું રહસ્ય ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદ જ છે.

ટિપ્પણીઓ