આજીવન કેદ/વનકર્મીઓ પર હુમલો કરનાર બન્ને સિંહો બે કલાકે ટ્રાન્ક્વિલાઈઝ ગનના ઉપયોગ વગર પાંજરે પૂરાયા

નરભક્ષી બંને સિંહ પર 15 સભ્યનું મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું


two lion Life imprisonment for attack on forest worker in devaliya park
ગૌતમ અને ગૌરવ બંન્ને સિંહો પાંજરે પૂરાયા

  • *ગુરૂવારે બપોરની ઘટના બાદ છેક સાંજે વિફરેલા સાવજોનો ગુસ્સો શાંત થયો હતો
    *ગૌરવ, ગૌતમની જોડી હવે આજીવન પાંજરામાં કેદ
    જૂનાગઢ: સાસણ નજીક દેવળીયા પાર્કમાં ગુરૂવારે વનકર્મીઓ પર હુમલો કરનાર ગૌતમ અને ગૌરવ નામના નરભક્ષી સિંહોને બે કલાકે ટ્રાન્ક્વિલાઈઝ ગનના ઉપયોગ વગર પાંજરે પૂરવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા કરતો હુકમ ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને કર્યો છે. હુમલામાં ટ્રેકરને બન્ને સિંહોએ ફાડી ખાતા મોત નીપજ્યું હતું. જ્યારે બે વનકર્મીને ગંભીર ઇજા પહોંચાડી હતી.
    બંને સિંહ પર 15 સભ્યનું મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું
    ગુરૂવારે બપોરે ચાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ, વેટરનરી ડોક્ટર અને અનુભવી ટ્રેકર્સોની મદદથી 15 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી અને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. દેવળીયામાં પ્રવાસીઓની અવર-જવર બંધ થાય અને સિંહો પોતાના પાંજરામાં ચાલ્યા જાય તે માટે દેવળિયા પાર્ક બંધ કરવામાં આવ્યું હતું. આથી બપોરની ઘટના બાદ સાંજ સુધીમાં સિંહોનો ગુસ્સો શાંત થયો હતો. બાદમાં વન વિભાગે ટ્રેકર રજનીભાઇની લાશ કબ્જે કરી હતી. સિંહો એ સ્થળ નજીકથી ઉઠી ધીમે ધીમે તેમનાં પાંજરા તરફ ચાલવા લાગતા વનવિભાગની ટીમ બંને સિંહો પર ચાંપતી નજર રાખી બેઠી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં બંને સિંહો પોતાનાં પાંજરામાં ચાલ્યા જતા ટ્રાન્ક્વિલાઈઝ ગનના ઉપયોગ વગર અને અન્ય કોઇ મથામણ વગર સિંહો પાંજરામાં આવી જતા વન વિભાગની ટીમે હાંશકારો અનુભવ્યો હતો.
    બંને માનવભક્ષી સિંહોને આજીવન કેદ
    દેવળિયા સફારી પાર્ક એક પ્રકારનું ઝૂ જ છે. આથી તેમાં જંગલનાં સિંહો નહીં પરંતુ જૂનાગઢનાં સક્કરબાગ ઝૂનાં બે સિંહો ગૌરવ અને ગૌતમને 3 વર્ષ પહેલાં અહીં લાવવામાં આવ્યા હતા. પરંતુ ઘટના બાદ બંનેને ફરી ક્યારેય પાર્કમાં ન છોડવા અને આજીવન કેદમાં જ રાખવાનો હુકમ ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને કર્યો છે.
    દેવળીયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું કરાયું
    ગુરૂવારે રાત્રે બંને સિંહો પાંજરામાં આવતા શુક્રવારે દેવળીયા પાર્ક પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું હતું.


ટિપ્પણીઓ