રેલવે સિક્યુરીટી/ અમદાવાદ કાલુપુર સ્ટેશન પર ‘અંડર વ્હીકલ ઇન્સ્પેક્શન સિસ્ટમ’ લગાવાશે

Under Vehicle Inspection System will be installed at Ahmedabad Kalupur station

ઓમકારસિંહ ઠાકુર, અમદાવાદઃ અમદાવાદ રેલવે સ્ટેશન પર દરરોજ આવતા દોઢ લાખથી વધુ પેસેન્જરોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની સાથે આધુનિક સ્ટેશન બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા એન્ટ્રીગેટ પાસે અંડર વ્હીકલ ઇન્સ્પેક્શન સિસ્ટમ લગાવાશે. આ સિસ્ટમથી સ્ટેશન પર આવતા તમામ વાહનોનું સ્કેનિંગ કરાશે. એજરીતે સ્ટેશનના બન્ને તરફ લગેજ સ્કેનિંગ મશીન લગાવાશે. આ તમામ સિસ્ટમ ઓપરેટ કરવા માટે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવશે.

આરપીએફના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, પેસેન્જર સુરક્ષા મહત્વની હોવાથી સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરાઈ રહી છે. સ્ટેશન પર આવતા જતા પેસેન્જરો કોઈ હથિયાર કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લઈને ન આવે તેની તપાસ કરવા માટે પણ સ્ટેશન પર સિસ્ટમ તહેનાત કરાઈ છે. જેમાં સ્ટેશન પર જતા કાલુપુર સાઈડમાં પ્લેટફોર્મ નંબર 1ના ગેટ નંબર 1 પર લગેજ સ્કેનર મશીન લગાવાશે. જે ત્યાં જ ફિક્સ કરાશે. એજરીતે પ્લેટફોર્મ નંબર 12ના ગેટ પર પોર્ટેબલ લગેજ સ્કેનર મશીન મૂકાશે. જે જરૂરિયાત મુજબ અન્ય પ્લેટફોર્મ પર પણ લઈ જઈ શકાશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ રેલવેમાં પહેલીવાર સ્ટેશનના એન્ટ્રીગેટ પર અંડર વ્હીકલ ઇન્સ્પેક્શન સિસ્ટમ લગાવાશે. આ સિસ્ટમ જમીનની આંદર હોવાથી તેની ઉપરથી પસાર થતા તમામ વાહનો સ્કેન થઈ જશે. આ તમામ સ્કેનર સિસ્ટમની સાથે એક એક ઓપરેટર પર તહેનાત કરાશે જે સ્ક્રીન પર સતત મોનિટરિંગ કરશે.
સ્ટેશન પર 124 સીસીટીવીની નજર રહેશે
સ્ટેશનની સુરક્ષા વધારવાના ભાગરૂપે સંપૂર્ણ સ્ટેશન પરિસરમાં 124 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેથી કંટ્રોલરૂમમાં બેઠા બેઠા અધિકારીઓ સંપૂર્ણ સ્ટેશન પરિસરમાં નજર રાખી શકશે. હાલ સ્ટેશન પર 51 સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે.
સુરક્ષા વધારવાની પ્રક્રિયા ચાલે છે

સ્ટેશન પર દરરોજ આવતા લાખો પેસેન્જરોની સુરક્ષા વધારવાની પ્રક્રિયા ચાલી રહી છે.નજર રાખવા સીસીટીવી લગાવવાની સાથે લગેજ સ્કેનર મશીન અને અંડર વ્હીકલ ઇન્સ્પેક્શન સિસ્ટમ લગાવાઈ રહી છે. આ તમામ સિસ્ટમ ઓપરેટ કરી શકાય તે માટે કર્મચારીઓને તાલીમ અપાશે. સૈયદ સરફરાઝ અહેમદ, સિનિયર ડીએસસી, અમદાવાદ ડિવિઝન

ટિપ્પણીઓ