‘પેપર લીક કરવામાં ભાજપની માસ્ટરી’… શંકરસિંહની ચેતવણીનો રુપાણીએ આપ્યો આ જવાબ

‘પેપર લીક કરવામાં ભાજપની માસ્ટરી’… શંકરસિંહની ચેતવણીનો રુપાણીએ આપ્યો આ જવાબ




મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: લોકરક્ષકની પરીક્ષા રદ્દ થતાં ઉમેદવારોને પડેલી તકલીફો અને વેડફાઈ ગયેલી મહેનત, સમય અને નાણાં સંદર્ભે આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી કે પેપર લીક કરવામાં BJPની માસ્ટરી છે અને સરકારે આ ઉમેદવારોના જ્નધન એકાઉન્ટમાં ૧૦ હજાર રૂપિયા જમા કરાવવા જોઈએ. તમામ પરીક્ષાર્થીઓને રૂ.10000ની સહાય આપો. જો નહીં આપો તો ઉગ્ર આંદોલન થશે જે આંદોલનમાં આપ કાયદો વ્યવસ્થા નહીં જાળવી શકો. ઉપરાંત જાન્યુઆરી 2019થી બેકાર યુવાનોને રૂ.5000 માસીક વળતરનો વાયદો નહીં પણ અમલીકરણ કરાવો.

આ માંગણીની બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રુપાણીએ જાહેરાત કરી છે કે આ પરીક્ષા હવે ફરીથી લેવામાં આવશે અને તમામ ઉમેદવારોને તેમના ઘરથી પરીક્ષા કેંદ્ર સુધી આવવા જવા માટે ST બસ ભાડું રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.


શંકરસિંહે ભાજપ સરકાર પર પેપરલીક કરવાની માસ્ટરી હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું કે, આ પરીક્ષા ડેસેન્ટ્રલાઈઝેશન કરી હતી. જેમાં ઉમેદવારો ૨૦૦ કિમી દુર કેંદ્ર પરીક્ષા આપવા ગયા હતા અને આ બધું થયું ત્યાર પછી પણ સરકારની બેવકૂફી બહાર આવી છે. ભાજપની આમાં પેપરલીક કરવાની માસ્ટરી છે પહેલા એવી ઘટનાઓ થઇ છે કે પેપર લીક કરનારના ઘરેથી રૂપિયા ગણવાનું મશીન મળે આ સરકાર છે? આ પેપરલીક થવાથી ઉમેદવારોના પરિવારોની લાગણી અને વિશ્વાસ તુટ્યો છે, પરિવારોની આશા તૂટી છે. હર વર્ષે પેપર ફૂટે છે જે ટેન્ડર થાય છે એમાં કરપ્શન થાય છે અને પેપર ફૂટે છે.
તેમણે ઉમેર્યું કે, આ પેપર ફૂટવાની જવાબદારી સરકારની છે ગરીબો સાથે આવી મજાક ન થાય. ગુજરાતમાં વહીવટ દિલ્લીથી ચાલે છે ગુજરાત સરકાર નામ માત્રની છે. જો સરકાર પગલા નહીં લે તો અમે ઉગ્ર કાર્યકમ આપીશું તેમાં લો અને ઓર્ડર તૂટે તો એની સરકારની જવાબદારી ભાજપ સરકારની હશે. સ્ટેચ્યૂ અને મહાત્મા મંદિર બનાવી ૫ હજાર કરોડનું અનપ્રોડકટીવ ઇન્વેસ્ટમેન્ટ છે અને જો સરદાર સાહેબ અને મહાત્માજી જીવતા હોત તો આ લોકોને લાકડી લઇને મારતા.



ટિપ્પણીઓ